Thursday, 12 April 2018

વિર માંગડાવાળા ના દુહા Veer Mangadavalo na duha

વિર માંગડાવાળા ના દુહા

વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની,
(પણ) એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો.

પાઘડિયું પચાસ, આંટાળિયું એકેય નહિ,
ઈ ઘોડો ને અસવાર, મીટે ન ભાળું માંગડો.

ઘોડો આવે ઘૂમતો, માથે સોનરી સાજ,
એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો.

પદમાનો પ્રીતાળ, હીરણની હદમાં રિયો,
ઝાઝા દેજો જુહાર, મરતાં બોલ્યો માંગડો.

વડલે વીંટો દેત, સોનેરી સિરપાવનો,
(ત્યાં) બાયલ બીજે દેશ, માર્યો જેઠાણી માંગડો.

સોડ્યું લાવો સાત, માંગડાના મોસાળની,
કરશો મા કલ્પાંત, પારે ઊભી પદ્માવતી.

મારા પંડ પર કોઈ, રાતા છાંટા રગતના,
રિયા જનમારો રોઈ, મીટે ન ભાળું માંગડો.

સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે,
(પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.

હું બેટો તું બાપ, અરસી, કાં ઓળખ નહિ,
પેલા ભવનાં પાપ, આ ભવમાં આવી નડ્યાં.

માયલિયું મનમાંય, દાખીને કેને દેખાડીએં,
વીંધાણાં વડમાંય, પદમાસું પરણ્યા વિના.

ભેળાં થાયીં ભૂત, આડી ગર્યું ઓળંગવા,
તન સળગે તાબૂત, અરસી વણ ઓલાય નૈ.

સરણ્યું ત્રુટિયું સગા, નેરણ નોધારાં થિયાં,
વાયેલ વા કવા, અળસી જળ ઊંડાં ગિયાં.

જીવડો તલખે જંપ નહિ, જાય વાળાની જાન,
અરસી મેલ્યા એકલા, પદમા પાંસલ પ્રાણ.

સખ હૂતું સગા, (તે તો) પદમાસું પાટણ રિયું,
અરસી આ વનમાં, ભૂતથી ભળવું પિયું.

ઘોડાને માણું બાજરો, બળદને બો’ળા ખાણ,
જમાડે વાળાની જાન, ભલ ખાંતેથી ભૂતડો.

ઊંચે સળગે આભ, નીચે ધરતીના ધડા,
ઓલવવાને આવ, વેલો ધાંતરવડના ધણી!

વડલા, તારી વરાળ, પાને પાને પરઝળી,
(હું) કયાં જઈ ઝંપાવું ઝાપ, (મને) ભડકા લાગે ભૂતના.

ડાળે ડાળે હું ફરું, પાને પાને દુ:ખ,
મરતા માંગડા વાળો, સ્વપ્ને ન રહ્યું સુખ.

હુઇ હાકોહાક, દળ છૂટ્યાં દેશોતનાં,
શોભે આંબા શાખ, લખિયલ વણ લેવાય નહિ.

ભલ ઘોડો વલ વંકડો, હલ બાંધવા હથિયાર,
ઝાઝી ફોજુંમાં ઝીંકવા, મરવું એક જ વાર.

[શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરીર ઉપર હથિયાર ચકચકાટ કરે;આહા! સાચા વીરને એક જ વાર મરવાની — મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાંતે મરવાની — ઝંખના હોય છે.]

ઘોડો ઘોડાને ઘાટ, અસવારે ઊણો નહિ,
(એનું) ભાલું ભરે આકાશ; મીટે ભાળ્યો માંગડો.

અમે વેપારી વાણિયા, તમે રાજાની રીત,
પૂરવ ભવની પ્રીત, મળિયાં તમસું માંગડા!

[હે સ્વામી માંગડા, આપણી જાત તો જુદી છે પણ પૂર્વભવની પ્રીતિએ આ જન્મે નાતજાતનાં બંધન ભેદીને આપણને જોડી દીધાં છે.

માઢ ઉપર માંડેલ છે, પીતળિયા પાસ,
(એની) સોગઠિયું સગા, મારતો જા તું માંગડા!

[હે સગા, મેડી ઉપર ચોપાટ માંડી છે. પીતળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું. માટે તું એક વાર ઉપર આવી, દાવ નાખી સોગઠી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય.]

જીવતો પાછો જા, વઢિયાની વેળા નહિ,
રોશે તારી મા, તું પરદેશી પ્રોણલો.

[ચાડવો કહે છે કે “એ જુવાન, તું પરગામથી પરોણો આવેલ કહેવાય. તારે હજુ લડવાની ઉમ્મર નથી થઈ. તું રોળાઈ જઈશ તો તારી મા રોશે. માટે જીવતો પાછો વળી જા!”]

કળકળતો કટકે, હાકોટે હબક્યો નહિ,
અહરાણ હૂકળતે, મચિયો ખાગે માંગડો.

[ચાડવા કાઠીના હાકલા-પડકારા સાંભળીને માંગડો ન થડક્યો. એ હૂકળતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો.]

વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની,
(પણ) એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો.

[પદ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી. એણે જોયું કે ઝાંખાં મોં લઈને ભાણ જેઠવાની ફોજ પાછી ચાલી આવે છે, પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કાં ન દેખાય?]

પાઘડિયું પચાસ, આંટાળિયું એકેય નહિ,
ઈ ઘોડો ને અસવાર, મીટે ન ભાળું માંગડો.

[આ પચાસ-પચાસ પાઘડીઓવાળા દેખાય છે. પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રીતમ માંગડો નથી. એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા. હોય તો સહુથી નોખો તરી રહે ને!]

-સૌરાષ્ટ્રની રસધાર

6 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. paghadiyu pachas ema atali ekey nay e ghodo ne e ahavar hu mite na bhalu maro manglo
      eema paghadi aatiyali noto bhai ee gamno maheman maranoto mangano etle foj chhene ee mangna no hog layne aavtiti eeno duho 6 vala

      Delete

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...