કંઠ ગયો કે'ણી ગઇ, ગઇ મર્દાનગી ની વાત
હદ થઈ કે હેમુ ગયો ગરીબ થયું ગુજરાત,
સંગીત મા સોપો પડ્યો, સુણવું ગમે નાં ગાન
તું મરતા મહેફિલ ગઇ દિલ ની હેમુ દાન,
ચડશે ઘટા ઘનઘોર ગગને મેઘ જલ વરસાવસે
નીલવરણી ઓઢણી જ્યાં ધરા સર પર ધરશે,
ગહેંકાટ ખાતાં ગીર મોરા પિયુ ધન પોકારશે
એ વખતે આ ગુજરાત ને પછી યાદ હેમુ આવશે,
ચડસે ગગન મા ચાંદલો ને રાત નવરાત્યું હશે
સંધા મળી ને સાથીડા જે દી' રાસડ઼ે રમતા હશે,
તે દી' રમણ રાધા કાન નાં કોઈ ગીતડાં લલકારસે
એ વખતે આ ગુજરાત ને પછી યાદ હેમુ આવશે,
દુઃખી પિયર ની દિકરી કોઈ દેશ દેશાવર હશે
સંતાપ સાસરવાસ નાં એ જીવનભર સહેતિ હશે,
વહુએ વગોવ્યા ની રેકર્ડુ જ્યાં રેડીઓ પર વાગશે
એ વખતે આ ગુજરાત ને પછી યાદ હેમુ આવશે,
મોંઘા મુલી સૌરાષ્ટ્ર ની રસધાર જે રચતો ગયો
એ કલમ ની વાચા બની તું ગીતડાં ગાતો ગયો,
એ લોક ઢાળૉ પરજ નાં કોઈ 'દાદ' કંઠે ધરશે
એ વખતે આ ગુજરાત ને પછી યાદ હેમુ આવશે.
કવિ દાદ
No comments:
Post a Comment