Tuesday 3 April 2018


GANESH STHAPNA MARRIAGE SONG 
ગણેશ સ્થાપના લગ્નગીત गणेश स्थापना लग्नगीत


ગણેશ પાટે બેસાડીયા  

Ganesh pate besadiya bhala nipje pakvan saga dabandhi tedaviye jo pujya hoy morar
Gujarati marriage Song Lyrics

ગણેશ પાટે બેસાડીયા  
ભલા નીપજે પકવાન 
સગા સબંધી તેડાવીયે 
જો પૂજ્યા  હોય મોરાર ..

જેને તે આંગણ પીમ્પળો 
તેનો તે ધન્ય અવતાર 
સાંજ સવાર પૂજીયે 
જો પૂજ્યા  હોય મોરાર ..

જેને તે આંગણ ગાવડી 
તેનો તે ધન્ય અવતાર 
સાંજ સવાર દોહી વળે 
જો પૂજ્યા  હોય મોરાર ..

જેને તે પેટે દીકરી 
તેનો તે ધન્ય અવતાર 
સૂઝ બુઝ વાપરે 
જો પૂજ્યા  હોય મોરાર ..

જેને તે પેટે દીકરા 
તેનો તે ધન્ય અવતાર 
વહુ વારુ પાયે પડે 
જો પૂજ્યા  હોય મોરાર ..


ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા
Ganesh Dundala ganapati sole sundhala
Gujarati marriage Song Lyrics

ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
તારી છોટી છોટી ચાલે કામણગારા રે.
મારા ગણેશ દૂંદાળા….

ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
ચાલો રાય ગણપતિ આપણે જોશી હાટે જઈએ
રાયજાદાના મુહૂર્ત પૂછવારે,
મારા ગણેશ દૂંદાળા….

ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
ચાલો રાય ગણપતિ આપણે ગાંધી હાટે જઈએ
રાયજાદાના શ્રીફાળ વસાવારે,
મારા ગણેશ દૂંદાળા….

ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
ચાલો રાય ગણપતિ આપણે માળી હાટે જઈએ
રાયજાદાના હાર ને ગજરા વસવારે,
મારા ગણેશ દૂંદાળા….




પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા   
pratham shree ganesh besado re mala ganesh dundala


પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા         
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા                        
    ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડાં ઘોડલા શણગારો                    
    ઘોડલે પિત્તળિયાં પલાણ રે મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડાં હાથીડા શણગારો                   
    હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડાં જાનીડાં શણગારો                   
    જાનડી લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડાં ધોરીડાં શણગારો                   
    ધોરીડે બબ્બે રાશું રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારો                   
    વેલડિયે દશ આંટા રે મારા ગણેશ દુંદાળા
વાવલિયા વાવ્યાં ને મેહુલા ધડૂક્યાં                     
    રણ રે વગડામાં રથ થંભ્યા રે મારા ગણેશ દુંદાળા

તૂટ્યાં તળાવ ને તૂટી પીંજણિયું                          
    ધોરીડે તૂટી બેવડ રાશું રે મારા ગણેશ દુંદાળા
ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ્વર                         
    તમે આવ્યે રંગ રે'શે રે મારા ગણેશ દુંદાળા

અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા                      
    અમ આવ્યે તમે લાજો રે મારા ગણેશ દુંદાળા
અમારે જોશે સવા મણનો રે લાડુ                      
    અમે આવ્યે વેવાઈ ભડકે રે મારા ગણેશ દુંદાળા

વીવા, અઘરણી ને જગવને જનોઈ                     
    પરથમ ગણેશ બેસાડું રે મારા ગણેશ દુંદાળા



કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે

Koyal bethi aambaliya ni daal gujarati lagngeet

કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

કોયલ માંગે કડલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ

કોયલ માંગે ચૂડલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ

કોયલ માંગે ઝૂમખાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ

કોયલ માંગે નથડીની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ


આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
Aaj vagdavo vagdavo ruda sharnayu ne dhol

gujarati lagngeet

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
શરણાયું ને ઢોલ નગારા… શરણાયું ને ઢોલ..
આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે..
સખી રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે..
મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ.
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ..
આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે.
હું કે ‘દી રંગાણી એના રંગમાં રે..
હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર..
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ..



આવી રૂડી અજવાળી રાત,Avi rudi ajvali raat rate te ramva nisarya re gujarati lagngeet 

આવી રૂડી અજવાળી રાત,
રાતે તે રમવા નીસર્યા રે મારા રાજ
હે રમ્યા રમ્યા પૂર બે પૂર,
સાહ્યબોજી તેડાં મોકલે રે મારા રાજ
હે ઘેર આવો ઘર કેરી નાર રે,
અમારે જાવું ચાકરી રે માણા રાજ
હે રે આવો રૂડો સહિયરું નો સાથ,
મેલીને સાહ્યબા નહિ આવું રે માણા રાજ.
હે ગોરી મુને ચડી રીસ રે,
ઘોડે તે પલાણ માંડશું રે માણા રાજ
હેજી રે રૂડી ઝાલશું ઘોડલાની વાઘ,
તમોને જાવા નહિ દઇએ રે માણા રાજ
હે તમારે છે સહિયરુંનો સાથ રે,
એની હારે તમે બોલજો રે માણા રાજ
હેજી રે મારે સાહ્યબા ચૂંદડીની ઓશ,
ચૂંદડી મોંઘા મુલની રે માણા રાજ
હે રીયો રીયો આજોની રાત,
ચૂંદડીને તમે મુલાવો માણા રાજ


હો…. મારે આજની ઘડી રે રળિયામણી
Are sakhi aajni ghadi te raliyamani gujarati lagngeet



હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.
હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.
હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.
હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.
હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.
હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.
જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.


લીલા માંડવા રોપાવો
Lila mandava ropavo - lila mandap ropavo - gujarati lagngeet

લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ
લીલા વાંસ વઢાવો
રૂડાં માંડવા બંધાવો માણારાજ
લાડેકોડે લીલાબેન પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ
એમના કાકાને તેડાવો
એમની કાકીને તેડાવો માણારાજ
લાડેકોડે ભત્રિજી પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ
લીલા વાંસ વઢાવો
રૂડાં માંડવા બંધાવો માણારાજ
લાડેકોડે નિશાબેન પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ
એમના નાનાને તેડાવો
એમની નાનીને તેડાવો માણારાજ
લાડેકોડે દીકરી પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ

મારા નખના પરવાળા જેવી ચૂંદડી


મારા નખના પરવાળા જેવી ચૂંદડી
મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી
ઓઢોને સાહેબજાદી ચૂંદડી
હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી
મારા દાદાજી દેખે માતાજી દેખે
કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી
તમારા દાદાના તેડ્યાં અમે આવશું
તમારી માતાના મન મોહશે હો લાડલી
ઓઢોને લાડકવાયી ચૂંદડી
હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી
મારા વીરોજી દેખે ભાભી દેખે
કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી
તમારા વીરાના તેડ્યાં અમે આવશું
તમારી ભાભીના ગુણલાં ગાશું હો લાડલી
ઓઢોને સાહેબજાદી ચૂંદડી


તને સાચવે  પારવતી અખંડ સૌભાગ્યવતી


તને સાચવે  પારવતી અખંડ સૌભાગ્યવતી,
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી.

માના ખોળા સમું આંગણું તે મૂક્યું,
બાપના મન સમું બારણું તે મૂક્યું,

તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી,
તને સાચવે  પારવતી  અખંડ સૌભાગ્યવતી.

ભગવાનને આજ ભળાવી દીધી,
વિશ્વાસ કરીને વળાવી દીધી,
તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી,
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી.


મારે આંગણિયે તલાવડી  છબછબિયાં પાણી

મારે આંગણિયે તલાવડી  છબછબિયાં પાણી,
એમાં તે અણવર લપટ્યો રે એની કેડ લચકાણી.


વેવાઈને માંડવે વેવલી રે એની આંખ છે કાણી,
નદીએ  નાવા  ગઈ'તી રે એને દેડકે  તાણી,
ધોળજો છોકરાં ધોળજો રે એની કેડ લચકાણી,
ગોળને બદલે ખોળ દ્યો રે એની કેડ લચકાણી.



અળવીંતરી તું એવી કે એની અવળી વાણી,
એણે ચોરીને ચીભડું ખાધું રે,
એણે ચોરીને ચુરમું ખાધું રે,
એણે ચોરીને ચટણી ચાટી રે,
એ તો...

ખાઉં ખાઉં કરતી ફરતી રે જાણે ભેંશની ભાણી,
મારે આંગણિયે તલાવડી છબછબિયાં પાણી.




ઓલ્યા અણવરને જાનમાંથી કાઢો રે હું તો લાજી મરું


ઓલ્યા અણવરને જાનમાંથી કાઢો રે હું તો લાજી મરું,

એના હાથ હડીંબા જેવા એના પગ ધડીંબા જેવા,

એનું  માથું બુઝારા જેવું  રે હું તો લાજી  મરું,



ઓલી વેવલીને માંડવેથી કાઢો રે હું તો લાજી મરું,

એનું નાક નળીયા જેવું એનો ફાંદો ફળીયા જેવો,

ઓલી કાણીનો કાંકરો કાઢો રે હું તો લાજી મરું,

ઓલ્યા અણવરને જાનમાંથી કાઢો રે હું તો લાજી મરું.



તું થોડું થોડું જમજે રે કે અણવર અધરાયો,

તારા પેટમાં દુઃખશે રે કે અણવર અધરાયો.



એક આકડાની ડાળ એક લીમડાની ડાળ,

માંય  લસણ  કળી  માંય  તેલ  પળી,

માંય મરચું મેલો રે કે અણવર અધરાયો.



તને રાંધતાય આવડે નહીં કે વેવલી વંઠેલી,

તું તો શીરામાં નાખે દહીં કે વેવલી વંઠેલી,

તેં તો પૂરણ પોળી કરી છાશમાં બોળી,

તું તો મીઠે મોળી ને વળી થાય છે ભોળી,

તને વેચે તો મળે ન પઈ કે વેવલી વંઠેલી.



તું થોડું થોડું જમજે રે કે અણવર અધરાયો,

તને રાંધતાય આવડે નહીં કે વેવલી વંઠેલી.



અણવર અધરાયો... વેવલી વંઠેલી...




આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય

આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય,

દાદાને અતિ વહાલા બેન રે એ તો પરણીને સાસરિયે જાય,

એક દિ રોકાઓ મારી દીકરી રે તમને આપું હું કાલે વિદાય,

હવે કેમ રોકાઉં મારા દાદા રે સાથ મારો સાસરિયાનો જાય.



આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય,

માતાને અતિ વહાલા બેન રે એ તો પરણીને સાસરિયે જાય,

એક દિ રોકાઓ મારી કુંવરી રે તમને આપું હું કાલે વિદાય,

હવે કેમ રોકાઉં મારી માડી રે સાથ મારો સાસરિયાનો જાય.



આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય,

વીરાને અતિ વહાલા અમીબેન રે એ તો પરણીને સાસરિયે જાય,

એક દિ રોકાઓ મારી બેની રે તમને આપું હું કાલે વિદાય,

હવે કેમ રોકાઉં મારા વીરા રે સાથ મારો સાસરિયાનો જાય.

આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય.



પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર

પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે,

  ઊભા રહો તો માંગુ મારા દાદા પાસે શીખ રે.



હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે,

પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે,

  ઊભા રહો તો માંગુ મારી માડી પાસે શીખ રે.



હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે,

પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે,

  ઊભા રહો તો માંગુ મારા વીરા પાસે શીખ રે.



હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે,

પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે,

  ઢોલીડા ધડૂક્યા રે લાડી ચડી બેસો ગાડે રે.



લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે

લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે,

લાડી મુખે લજ્જા કેરો ભાર, કંસાર કેવો ગળ્યો લાગે રે,

વાતે વાતે હસે છે લગાર, કંસાર કેવો ગળ્યો લાગે રે,

લાડી તો સતી સીતા નાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે,

લાડો રાજા રામનો અવતાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે,

વેવાયું તો વટના રે પાન કે કંસાર કેવો ગળ્યો લાગે રે,

વેવાણુંને હરખ અપાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે,

લાડીની ભાભી ટળવળે કે કંસાર કેવો ગળ્યો લાગે રે,

નણદી મુજને આંગલડી ચટાડ કંસાર કેવો ગળ્યો લાગે રે,

ભાભી તું તો પરણી કે કુંવારી કંસાર ગળ્યો ગળ્યો લાગે રે,

લાડો લાડી જમે રે કંસાર, કંસાર ગળ્યો ગળ્યો લાગે રે.


મંગળિયું

પહેલું પહેલું મંગળિયું વરતાય રે,
પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે,
અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,
સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે.

બીજું બીજું મંગળિયું વરતાય રે,
બીજે મંગળ રૂપાંનાં દાન દેવાય રે,
માંડવડામાં મંગળગીતો ગવાય રે,
શુભદિન આજે શુકનનો કહેવાય રે.

અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે
સૌને હૈયે આનંદ અતિ ઊભરાય રે

ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે,
ત્રીજે મંગળ સોનાંનાં દાન દેવાય રે,
ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસરાય રે,
બન્ને પક્ષે આનંદ અતિ ઉભરાય રે.

ચોથું ચોથું મંગળિયું વરતાય રે,
ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે,
અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,
માંડવડામાં મંગળગીતો ગવાય રે…



 હેતે  કન્યાનો હાથ ઝાલો વરરાજા

 હેતે  કન્યાનો હાથ ઝાલો વરરાજા,

ઉત્તમ કુળની છે કન્યા વરરાજા.



ઈશ્વર પાર્વતીની જોડ વરરાજા,

અમ ઘરની શોભા તમને સોંપી વરરાજા,

એ શોભાથી તમ ઘર દીપશે વરરાજા,

 હેતે  કન્યાનો હાથ ઝાલો વરરાજા,



રામ સીતાની જોડ વરરાજા,

અમારું રતન તમને સોંપ્યું વરરાજા,

તેનું કરજો જતન વરરાજા,

 હેતે  કન્યાનો હાથ ઝાલો વરરાજા,



ઇન્દ્ર-ઇન્દ્રાણીની જોડ વરરાજા,

પ્રીતે જોડો હાથ પંચ સામે વરરાજા,

અમારી બેની તમને સોંપ્યા વરરાજા,

 હેતે  કન્યાનો હાથ ઝાલો વરરાજા,


કૃષ્ણ-રૂખમણીની જોડ વરરાજા,

જુગ જુગ જીવો તમારી જોડ વરરાજા,

માડીના હેત તમને સોંપ્યા વરરાજા,

 હેતે  કન્યાનો હાથ ઝાલો વરરાજા,



આશિષ દઈએ અમે આજ વરરાજા,

પૂરા થાઓ તમારા સૌ કોડ વરરાજા,

 હેતે  કન્યાનો હાથ ઝાલો વરરાજા,

ઉત્તમ કુળની છે કન્યા વરરાજા.


ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા

ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા,

વાજા વાગ્યા ને વરવહુના હાથ મળ્યા,

હૈયાં હરખ્યા ને વરવહુના હાથ મળ્યા,

પ્રેમે નીરખ્યા ને વરવહુના હાથ મળ્યા,

જાણે ઈશ્વર ને પાર્વતી સાથ મળ્યા,

ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા.



જેમ નદી ને સરવરના જળ મળ્યા એમ વર ને કન્યાના હાથ મળ્યા,

જેમ દૂધમાં જાય સાકર ભળી એમ વર ને કન્યાની જોડ મળી,

જેમ શોભે લહેરો સાગરમાં એમ શોભે વર-કન્યા માયરામાં,

જેમ ઇન્દ્ર-ઇન્દ્રાણીની જોડ ઠરી એમ વર ને કન્યાની જોડ મળી.



ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા

ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા,
મારે છેટાંની છે જાન ગોર લટપટિયા,
મારે થાય છે અહુર ગોર લટપટિયા.



ગોરને હાંડા જેવડું માથું ગોર લટપટિયા,
ગોરને નળિયા જેવડું નાક ગોર લટપટિયા,
ગોરને કોડાં જેવડી આંખ્યું ગોર લટપટિયા,
ગોરને કોડિયાં જેવડા કાન ગોર લટપટિયા,
ગોરને સૂપડાં જેવા હોઠ ગોર લટપટિયા,
ગોરને ફળિયા જેવડી ફાંદ ગોર લટપટિયા,
ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા,
મારે છેટાંની છે જાન ગોર લટપટિયા,
મારે થાય છે અહુર ગોર લટપટિયા.



તું થોડું થોડું જમજે રે અણવર અવગતિયા

તું થોડું થોડું જમજે રે અણવર અવગતિયા,

તારા પેટમાં દુખશે રે અણવર અવગતિયા.



તને ઓસડ ચીંધાડે રે (વરના પિતાનું નામ બોલવું) પાતળિયા,

સાત લસણની કળી માંહે હિંગની કણી.



અજમો મેલજે જરી ઉપર આદુની ચીરી,

તું ઝટપટ ખાજે રે અણવર અવગતિયા.



તું થોડું થોડું જમજે રે અણવર અવગતિયા,

તારા પેટમાં દુખશે રે અણવર અવગતિયા.


ઓઢી નવરંગ ચૂંદડી


ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર, (2)

માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા.



ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર, (2)

માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા.



બેનીએ સાડી પહેરી છે સવા લાખની,

બેનીએ સેલું પહેર્યું છે સવા લાખનું,

તો ય બેનીને પાનેતરનો શોખ, પાનેતરનો શોખ,

માયરામાં ચાલે મલપતી, મલપતી, મલપતી.



ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર, (2)

માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા.



બેનીએ પહોંચો પહેર્યો છે સવા લાખનો,

બેનીએ બંગડી પહેરી છે સવા લાખની,

તો ય બેનીને મીંઢળનો શોખ, બેનીને મીંઢળનો શોખ,

માયરામાં ચાલે મલપતી, મલપતી, મલપતી.



ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર, (2)

માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા.



બેનીએ દામણી પહેરી છે સવા લાખની,

બેનીએ દામણી પહેરી છે સવા લાખની,

તો ય બેનીને મોડિયાનો શોખ, બેનીને મોડિયાનો શોખ,

માયરામાં ચાલે મલપતી, મલપતી, મલપતી.



ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર, (2)

માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા.



બેનીએ નથડી પહેરી છે સવા લાખની,

બેનીએ હારલો પહેર્યો છે સવા લાખનો,

તો ય બેનીને વરમાળાનો શોખ, બેનીને વરમાળાનો શોખ,

માયરામાં ચાલે મલપતી, મલપતી, મલપતી.



ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર, (2)

માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા.


કોયલ બેઠી આંબલિયાની ડાળ


કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

કોયલ માંગે કડલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ

કોયલ માંગે ચૂડલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ

કોયલ માંગે ઝૂમખાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ

કોયલ માંગે નથડીની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ










No comments:

Post a Comment

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...