બાપ બેટાનાં દાણ માંગે છે, એ તો મસાણ ભૂમિ મોજાર
એકલી ઊભી કોઈ અટૂલી અયોધ્યાની નાર
રાણી હતી તે દાસી બની, અને દાસ બન્યા છે કુમાર;
વચન ખાતર હરિશ્ચન્દ્ર વેચાણા બારવાળા ને દ્વાર
ભૂત હોંકારે અને પ્રેત પોકારે, ડાકણનાં પડકાર;
તોય તારાદે નું દિલ ન કંપ્યું, કંપી ઉઠયા કિરતાર
ઓઢણી ફાડીને લાશ ઓઢાડી, ચૂમી લીધી બે-ચાર;
જાયાની માથે ઊભી જનેતા, આભ ડોલાવણ હાર
બળતી ચિતામાંથી ઈંધણ લાવી, પુત્રની પાલનહાર;
ફૂંક મારે અને આગ ચેતાવે, તોય સળગે નહીં અંગાર
દાણ દીધા વિણ દાગ ન દેજે, હાક ઊઠી તે વાર;
સામે જુએ ત્યાં તો સ્વામી પોતાનો, તાણી ઊભો તલવાર
હાલ્યો હેમાળો અને ધરણી ધ્રુજી, અને દેવોનાં કંપ્યા દ્વાર;
શિવ બ્રહ્મા હરિ દોડીને આવ્યા, એને તાપ લાગ્યો તે વાર
ધન્ય રાજા - રાણી ટેક તમારી, ધન્ય છે રાજકુમાર;
"કાગ" કહે તારા કુળમાં લઈશું અમે અયોધ્યામાં અવતાર
Bap beta na dan magechhe eto masan bhumi mojar
No comments:
Post a Comment